તવાફ અને સઈના અહકામ: કુરાન અને સુન્નતનું માર્ગદર્શન
હજ અને ઉમરાહ એ અલ્લાહ પ્રત્યેની અતૂટ આસ્થાનું પ્રતીક છે. તવાફ અને સઈ દરમિયાન દુઆઓ ભૂલી જવાની કે શરતોની અજ્ઞાનતાને કારણે ચિંતા અનુભવતા ઝાયરીન માટે આ લેખમાં કુરાન-હદીસના આધારે સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
૧. દુઆ ભુલાઈ જવી અને તેની અસર
તવાફ અને સઈમાં પઢવામાં આવતી દુઆઓ સુન્નત છે, પરંતુ તે ફરજ કે વાજિબ નથી. અલ્લાહ તઆલા કુરાનમાં ફરમાવે છે:
"તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ." (સૂરહ ગાફિર: ૬૦)
હદીસ મુજબ, "દુઆ એ ઈબાદતનું મગજ છે." જો તમે અરબી શબ્દો ભૂલી જાઓ, તો પોતાની માતૃભાષામાં કરેલી દુઆ પણ કબૂલ છે. તેનાથી ઈબાદતમાં કોઈ ખામી આવતી નથી.
૨. વુઝૂની જરૂરિયાત
તવાફ: હદીસમાં છે કે, "બૈતુલ્લાહનો તવાફ એ નમાઝ જેવો જ છે." (તિર્મિઝી). તેથી તવાફ માટે વુઝૂ હોવું શરત (ફરજિયાત) છે.
સઈ: સઈ માટે વુઝૂ સુન્નત છે પણ ફરજિયાત નથી. હઝરત આઈશા (રદીઅલ્લાહો અનહા) ની રિવાયત મુજબ, માસિક ધર્મ દરમિયાન પણ સઈ કરી શકાય છે.
૩. 'દમ' (દંડ) ક્યારે લાગુ પડે?
કુરાન કહે છે: "અલ્લાહ તમારા માટે સરળતા ઈચ્છે છે, મુશ્કેલી નહીં." (સૂરહ બકરાહ: ૧૮૫). દમ ત્યારે જ વાજિબ બને છે જ્યારે કોઈ વાજિબ કાર્ય (જેમ કે વુઝૂ વગર તવાફ કરવો કે સઈના જરૂરી ફેરા છોડવા) રહી જાય. માત્ર દુઆ ભૂલી જવાથી ક્યારેય દમ લાગતો નથી.
૪. તવાફ અને સઈ ક્યારે કબૂલ નથી? (બાતિલ)
- નિયત વગર: દરેક કાર્યનો દારોમદાર નિયત પર છે.
- કાબાની મર્યાદા: જો તવાફ કરતી વખતે હાતીમની અંદરથી પસાર થાવ, તો તે ફેરો માન્ય નથી.
- ક્રમ અને દિશા: કાબાને ડાબી બાજુ રાખીને હજર-એ-અસ્વદથી શરૂ કરવું અનિવાર્ય છે.
- ફેરાની સંખ્યા: સાત ફેરા પૂરા ન કરવાથી ઈબાદત અધૂરી ગણાય છે.
અલ્લાહ પાક આપના હજ-ઉમરા કબૂલ ફરમાવે
ખાનકાહ-એ-આલિયા
નકશ઼બંદીયા-ચિશ્તિયા-સાબિરીયા-અશરફીયા,
ભુજ કચ્છ.

0 ટિપ્પણીઓ