![]() |
સોરેહ બાદશાહ પીર સૈયદ સિબગતુલ્લાહ શાહ પાગારો છઠ્ઠા. આ મહાન વ્યક્તિને ૨૦ માર્ચ, ૧૯૪૩ના રોજ બ્રિટિશ શાસકોએ હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી હતી. |
ઇતિહાસના પાનાઓમાં દફન થયેલી એક સૈયદઝાદાની બહાદૂરીની કથા: બ્રિટિશ હકૂમતને હચમચાવનાર 'હુર' ચળવળ અને પીર પાગારોનું બલિદાન
સિંઘ અને પંજાબનો ઈતિહાસ એ માત્ર વિજયોનો ઈતિહાસ નથી, પણ ઈમાનના સૌદાઓ અને અપ્રતિમ બલિદાનોનો પણ ઈતિહાસ છે. ૧૮૪૩માં અંગ્રેજોએ જ્યારે સિંઘ પર કબજો કર્યો, ત્યારે તેમણે જોયું કે આ ધરતી પર હથિયારો કરતાં વધુ પ્રભાવ 'પીર-મુરીદી' ના સંબંધોનો છે. આ શક્તિને તોડવાને બદલે અંગ્રેજોએ તેને ખરીદવાનું નક્કી કર્યું.
૧. અંગ્રેજોની જાગીરદારી પ્રથા: 'ખરીદાયેલા' માર્ગદર્શકો-પીરો
સર ચાર્લ્સ નેપિયરે એક એવી વ્યવસ્થા ઊભી કરી જેમાં દીન અને દુનિયાનો સૌદો થયો. હજારો એકર જમીનો, 'સર' અને 'ખાન બહાદુર' ના ખિતાબો વહેંચીને અંગ્રેજોએ એવા પીરોની ફોજ ઊભી કરી જે બ્રિટિશ તાજના વફાદાર બની ગયા.
મખદૂમ ઓફ હાલા અને સૈયદ ખેરપુરના પીરો: તેમને હજારો એકર કર-મુક્ત ('ખારીજ-જમા') જમીનો આપીને જાગીરદાર બનાવી દેવામાં આવ્યા.
મુલતાન અને પાકપટ્ટનના ગાદીનશીનો: પંજાબમાં કેનાલ કોલોનાઈઝેશન હેઠળ ઉપજાઉ જમીનો વહેંચીને પીરોને 'ઓનરરી મેજિસ્ટ્રેટ' બનાવવામાં આવ્યા.
સેવાના બદલામાં સોદો: આ જાગીરદારોએ અંગ્રેજો માટે લશ્કરી ભરતી કરી અને આઝાદીના દીવાનાઓની જાસૂસી કરી.
૨. શહીદ સોરેહ બાદશાહ: લાલચ સામે બગાવતનો અવાજ
જ્યારે મોટાભાગના ગાદીનશીનો અંગ્રેજોની રહેમરાહે જાગીરો ભોગવતા હતા, ત્યારે સિંઘની ધરતી પર એક એવો મર્દ-એ-મોમિન ઉભો થયો જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. તે હતા પીર સૈયદ સિબગતુલ્લાહ શાહ (છઠ્ઠા પીર પાગારો), જેમને ઈતિહાસ 'સોરેહ બાદશાહ' (બહાદુર બાદશાહ) તરીકે ઓળખે છે. સોરેહ બાદશાહ પાસે હજારો એકરની જાગીર અને લાખો મુરીદો હતા. અંગ્રેજોએ તેમને ઘણી લાલચ આપી કે તેઓ સરકારના પક્ષમાં રહે, પણ આ સૈયદઝાદાએ હઝરત ઇમામ હુસૈન (રદીઅલ્લાહો અનહુ)ની પરંપરા જાળવી રાખી. તેમણે સ્પષ્ટ કર્યું કે, "આઝાદી મારો જન્મસિદ્ધ અધિકાર છે અને ગુલામી મારા ઈમાન વિરુદ્ધ છે."
૩. 'હુર' ચળવળ: "વતન યા કફન"
સોરેહ બાદશાહે પોતાના મુરીદોને 'હુર' (આઝાદ) નામ આપ્યું અને સૂત્ર આપ્યું: "વતન યા કફન". તેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ શરૂ કરી.
અંગ્રેજોએ ૧૯૪૧માં તેમને જેલમાં ધકેલી દીધા.
સમગ્ર સિંઘમાં 'માર્શલ લો' લગાડવામાં આવ્યો.
અંગ્રેજોએ સોરેહ બાદશાહના રહેઠાણ (કોટ) ને તોપોથી ઉડાવી દીધું, પણ તેઓ ડગ્યા નહીં.
૪. ૨૦ માર્ચ, ૧૯૪૩: ફાંસી અને શહાદતની કરુણ ઘટના
અંગ્રેજ સરકાર સોરેહ બાદશાહથી એટલી ડરી ગઈ હતી કે તેમણે હૈદરાબાદ (સિંઘ) ની સેન્ટ્રલ જેલમાં એક ખાસ લશ્કરી અદાલત દ્વારા તેમને ફાંસીની સજા સંભળાવી. ૨૦ માર્ચ, ૧૯૪૩ના રોજ જ્યારે તેમને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યા, ત્યારે તેમના ચહેરા પર કોઈ ડર નહોતો, પણ એક નૂર હતું. અંગ્રેજો એટલા ગભરાયેલા હતા કે: તેમણે ફાંસી આપ્યા પછી તેમના મૃતદેહને કોઈ પવિત્ર સ્થાને દફનાવવાને બદલે, સમુદ્રની વચ્ચે કોઈ અજ્ઞાત ટાપુ (ચકદામો) પર દફનાવી દીધો, જેથી કોઈ તેમની કબર પર જઈ ન શકે અને ફરી બળવો ન થાય.
તેમની જાગીરો જપ્ત કરી લેવામાં આવી અને તેમના બાળકોને નજરકેદ કરી દીધા. સોરેહ બાદશાહની આ શહાદતે સાબિત કરી દીધું કે સાચો પીર તે છે જે કૌમ માટે ફાંસીના માંચડે ચડી જાય, પણ અંગ્રેજોની જાગીરો પર પલટાય નહીં.
૫. આજના સમય માટે ચેતવણી: જાગીરદારી માનસિકતાનું પુનરાવર્તન
આ ઈતિહાસ પરથી આજના આલીમો, પીરો અને સૈયદોએ ગંભીર પાઠ લેવાની જરૂર છે:
૧. લાલચનો ફિત્નો: ગઈકાલે જે કામ 'જમીનો' કરતી હતી, આજે તે કામ 'ફંડ', 'ટ્રસ્ટોની ગ્રાન્ટ' અને 'રાજકીય પદ' કરી રહ્યા છે. જે આલીમ સત્તાના ટુકડાઓ માટે વેચાય છે, તે અંગ્રેજોના એ 'સરકારી પીરો' નો જ વંશજ ગણાય.
૨.ગવાહીનો સોદો: સોરેહ બાદશાહ ઉર્ફે પીર પાગારાએ વતનની આઝાદી અને ગૌરવ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, જ્યારે આજના કેટલાક નવાણિયા પોતાની સત્તાલોલુપ માનસિકતા સંતોષવા માટે ભ્રષ્ટ નેતાઓને ઇસ્લામના સંનિષ્ઠ શાસકો સાથે સરખાવીને મતોનો સોદો કરી રહ્યા છે. આ કૃત્ય શહીદોના પવિત્ર લોહી સાથેની ઘોર ખિયાનત (ગદ્દારી) છે.
૩. સાચો આદર્શ: ખરો આલિમ, સૈયદ કે પીર તે છે જે પીર પાગારા અને ઇમામ-એ-રબ્બાની જેવી નીડરતા ધરાવતા હોય. હક વાત કહેવા માટે જો ફાંસી પણ મળે, તો તેને શહાદત સમજે, પણ સત્તાના ચમચા ન બને.
નિષ્કર્ષ
સિંઘ અને પંજાબનો આ કાળો અને ઉજળો ઈતિહાસ આપણી સામે છે. એક તરફ એવા પીરો છે જેમના નામે આજે પણ કરોડોની જાગીરો છે કારણ કે તેમના વડવાઓએ અંગ્રેજોની ગુલામી સ્વીકારી હતી. બીજી તરફ પીર પાગારા (સોરેહ બાદશાહ) જેવા શહીદો છે જેમના મૃતદેહની કબર પણ અંગ્રેજોએ છુપાવવી પડી હતી. આજના અમુક આલીમો,પીરો અને સૈયદો કે જે ચુંટણી પ્રક્રિયામાં જોડાયેલા છે તેમને નક્કી કરવાનું છે કે તેઓ અલ્લાહની અદાલતમાં શહીદોની હરોળમાં ઉભા રહેવા માંગે છે કે પછી ઇતિહાસના એ પાનાઓમાં જ્યાં 'વેચાઉ પીરો' ના નામ કલંકિત અક્ષરે લખાયેલા છે. "ખુદાથી ડરો, સત્તાથી નહીં. ઈમાનને સાચવો, જાગીરોને નહીં."

1 ટિપ્પણીઓ
Mashaallah.. हमें हक के लिए टूटना पसंद है पर किसी के आगे झुकना नहीं..
જવાબ આપોકાઢી નાખો